સાનિયા-હિંગિસની જોડીએ રચ્યો ઇતિહાસઃ સતત નવમું ટાઇટલ જીત્યું

સાનિયા મિર્જા અને માર્ટીના હિંગિસની જોડીએ આજે ડબલ્યુટીએ ફાઇનલમાં પોતાની હરીફ જોડી ઉપર ૬-૦, ૬-૩થી જીત મેળવીને સર્વોપરિતા જાળવી રાખી હતી. ભારતીય અને સ્વિસ જોડીએ ગેરબિન-કાર્લાની સ્પેનિશ જોડી ઉપર એક તરફી મેચમાં સરળરીતે જીત મેળવી હતી. આની સાથે જ આ સુપરહિટ જોડી આ વર્ષે નવ ટાઇટલ પોતાના નામે કરી ચુકી છે. ડબલ્યુટીએ ફાઇનલ મુકાબલામાં તેમની સામે કોઇપણ વિરોધી જોડી એક સેટ પણ જીતી શકી નથી જે સાબિત કરે છે કે, સાનિયા મિર્ઝા અને હિંગિસની જોડી જોરદાર ફોર્મમાં છે.
સાનિયા મિર્ઝા સતત બીજા વર્ષે ડબલ્યુટીએ ફાઇનલમાં પહોંચી હતી. ગયા વર્ષે ઝિમ્બાબ્વેની કારા બ્લેક સાથે મળીને આ ટ્રોફી જીતી હતી. અગાઉ ગઇકાલે રમાયેલી મહિલાઓની ટેનિસ એસોસીએશન ફાઈનલમાં આ બન્ને ખેલાડીની જોડીએ ચીની તાઇપેઈની ચાનહાઓ અને ચાન યંગની જોડી ઉપર સીધા સેટમાં ૬-૪,૬-૨થી જીત મેળવી હતી. આની સાથે જ ફાઈનલમાં આગેકૂચ કરી લીધી હતી. સાનિયા મિર્જા અને માર્ટિના હિંગિસે જીતવાનો સિલસિલો જારી રાખ્યો હતો. આ બન્નેની જોડીએ ૨૧મી જીત મેળવી હતી. તેમની છેલ્લી હાર સિનસિનાટીમાં સેમી ફાઈનલમાં ચાન સિસ્ટર સામે થઈ હતી.
ત્રીજી ક્રમાંકિત તાઈવાની જોડીએ પ્રથમ સેટમાં ૩-૧ની લીડ મેળવી હતી. પરંતુ પ્રથમ ક્રમાંકિત ભારત અને સ્વિસની જોડીએ શાનદાર રમત રમીને આગામી ૧૪ ગેમ સતત જીતી લઈને પ્રથમ સેટ પણ જીતી લીધો હતો. સાનિયા મિર્જા અને માર્ટિના હિંગિસની જોડીએ આ વર્ષે સાથે મળીને કુલ ૮ ટાઈટલ જીતી લેવામાં સફળતા મેળવી છે. બન્નેની જોડી એક પછી એક ગ્રાન્ડસ્લેમમાં પણ સફળ સાબિત થઈ છે. હવે નવા વર્ષ ઉપર બન્નેએ ધ્યાન કેન્દ્રીત કરી દીધું છે.