બિહારઃ ચોથા ચરણમાં ૫૭ ટકા ધીંગું મતદાન

બિહારમાં ચોથા તબક્કા માટે આજે શાંતિપૂર્ણરીતે ૫૭.૫૯ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું. શાંતિપૂર્ણરીતે મતદાન થતાં તંત્રને રાહત થઇ હતી. આજના મતદાનની સાથે જ પાંચ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. પશ્ચિમી ચંપારણમાં સૌથી વધુ ૬૦ ટકાથી પણ વધુ મતદાન થયું છે. આજે ભારે મતદાન મોટાભાગના વિસ્તારોમાં થયું હતું જેથી રાજકીય પક્ષોમાં ગણતરીનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપ અને મહાગઠબંધન વચ્ચે મુખ્ય સ્પર્ધા દેખાઈ રહી છે. પશ્ચિમ ચંપારણમાં ૬૦ ટકાથી વધુ, પૂર્વીય ચંપારણમાં ૫૫ ટકાથી વધુ, સિઓહારમાં ૫૪ ટકાથી વધુ, સિતામઢીમાં ૫૫ ટકાથી વધુ, મુઝફ્ફરપુરમાં ૫૪ ટકાથી વધુ અને ગોપાલગંજમાં ૫૫ ટકાથી વધુ તેમજ સિવાનમાં ૪૯ ટકાથી વધુ મતદાન થયું છે. ઘણી જગ્યાઓએ હિંસાની છુટછવાઈ ઘટના પણ બની હતી.
બિહારમાં ચોથા તબક્કાના મતદાનને શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ તમામ તૈયારી કરી લેવામાં આવી હતી.ચોથા તબક્કામાં જે જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા તેમાં સિવાન, શિવોહાર, પશ્ચિમ ચંપારણ, પૂર્વીય ચંપારન, સીતામઢી અને ગોપાલગંજનો સમાવેશ થાય છે. એડિશનલ ચીફ ઇલેક્ટોરલ આર. લક્ષ્મણને કહ્યુ છે કે ચોથા તબક્કામાં કુલ૧૪૬૯૩૨૯૪ મતદારો પૈકી મોટી સંખ્યામાં મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આજે મતદાનની સાથે જ ચૂંટણી મેદાનમાં રહેલા ૭૭૬ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. રાજ્યમાં ચોથા તબક્કાના મતદાન માટે ૧૪૧૩૯ મતદાન સ્થાપિત કરવામાં આવ્યા હતા. જે પૈકી અનેક મતદાન મથકો સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ બુથ પર કેન્દ્રિય દળના જવાન તૈનાત રહ્યા હતા. લાઇવ વેબકાસ્ટિંગ માટેની વ્યવસ્થા પણ ખાસરીતે કરવામાં આવી હતી. ચોથા તબક્કામાં મતદાન બાદ જે ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા તેમાં મુખ્યપ્રધાન નિતીશ કુમાર, પ્રધાન રામાઇ રામ, રન્જુ ગીતા અને મનોજ કુશવાહનો સમાવેશ થાય છે.
ચૂંટણીમાં મોટી સંખ્યામાં માઇક્રો ઓબ્ઝર્વર પણ રાખવામાં આવ્યા હતા. મતદાનને શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે તમામ તૈયારી કરવામાં આવી હતી. ચુંટણીને ધ્યાનમાં લઈને માઈક્રો ઓબ્જર્વર તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જનરલ ઓબ્જર્વર, ખર્ચ ઓબ્જર્વર, પોલીસ અને જાગૃતિ ઓબ્જર્વર તૈનાત કરવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે પણ તમામ પગલા લેવાયા હતા. સ્થિતિને હળવી કરવા છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી.
ચુંટણીપંચે ઊંચા મતદાનની ખાતરી કરવા તમામ પગલા લીધા હતા.ચોથા તબક્કામાં જે ઉમેદવારો રહેલા છે તે પૈકી કુલ ૨૫૩ ઉમેદવારો એવા છે જેમની સામે ફોજદારી કેસો રહેલા છે. જ્યારે ૪૮ મતવિસ્તારોમાં રેડ એલર્ટની જાહેરાત ગઇકાલે જ કરવામાં આવી હતી.ચોથા તબક્કામાં લાલુ યાદવની પાર્ટીએ સૌથી વધારે ૨૬ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે નિતીશ કુમારની પાર્ટીએ ૨૧ ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા હતા. ભાજપે પણ ૪૨ ઉમેદવારોને ઉતાર્યા હતા.
એનડીએ તરફથી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ ચાર બેઠકો ઉપર ઉમેદવાર ઉતાર્યા હતા મતદાન સવારે ૭ વાગ્યાથી લઈ સાંજે ૫ વાગ્યા સુધી ૪૩ બેઠકો પર થયુ હતુ. જ્યારે ચાર બેઠકો ઉપર ૩ વાગ્યા સુધી મતદાન થયુ હતુ. એડીશનલ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર આર લક્ષ્મણન દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. બળવાખોરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અગાઉના ત્રણ તબક્કામાં ૧૩૧ બેઠકો ઉપર મતદાન થઈ ચુક્યું છે. ચોથા તબક્કામાં મતદાન પૂર્ણ થવાની સાથે જ ૧૮૬ બેઠકો ઉપર મતદાન હવે પૂર્ણ થઇ ચુક્યુ છે. પાંચમાં અને અંતિમ તબક્કામાં પાંચમી નવેમ્બરના દિવસે ૫૭ બેઠકો માટે મતદાન થશે. હાઈવોલ્ટેજ ચુંટણી પ્રચાર ચોથા તબક્કા માટે રહ્યું હતું. જેમાં ભાજપ તરફથી અમિત શાહ, નરેન્દ્ર મોદીએ જવાબદારી સંભાળી હતી. ચૂંટણીપ્રચારમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર જારી રહ્યો હતો. બંને ગઠબંધન તરફથી ગંભીર આક્ષેપો કરાયા હતા.