બિહારને ખાડામાંથી બહાર લાવવા માટે બે એન્જિનની જરૂરઃ વડાપ્રધાન

બિહાર વિધાનસભાના પાંચમા અને અંતિમ તબક્કાના પ્રચાર દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધુબાનીમાં આક્રમક રેલી યોજી હતી અને નીતીશ અને લાલૂ ઉપર ફરીવાર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, બિહારને ખાડામાંથી બહાર કાઢવા માટે બે એન્જિન લગાવવા પડશે. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બંને નેતાઓએ બિહારને એવા ખાડામાં ધકેલી દીધું છે જેમાંથી બહાર કાઢવા માટે બે એન્જિન લગાવવા પડશે. આક્ષેપબાજી કરતા તેમણે કહ્યું હતું કે, જંગલરાજ કરનાર લોકોને હવે જંતરમંતર કરનાર જોડકા ભાઈ મળી ગયા છે.
મોદીએ નીતીશના તાંત્રિક વાળા વિડિયો ઉપર સકંજો કસતા કહ્યું હતું કે, જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ન હતા ત્યારે એક વખતે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે વખતે તેમની નજીક બેઠેલી એક વ્યક્તિએ તેમને પ્રશ્ન કર્યો હતો કે, તમે તાંત્રિક ઉપર વિશ્વાસ કેમ કરતા નથી. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જંતર મંતર ઉપર તેઓ વિશ્વાસ કરતા નથી. લોકશાહીમાં વિશ્વાસ કરે છે. મોદીએ નીતીશકુમારની ટિકા કરતા કહ્યું હતું કે, જે લોકોની પાસે આ નથી તેવો ક્યાં જશે.  જે લોકો પાસે લોકશાહીમાં વિશ્વાસ નથી તે લોકોને જનતાનો પણ આશીર્વાદ નથી.
બિમારી જ્યારે ઠીક થતી નથી ત્યારે પરિવારના સભ્યો ભણેલા હોય તો પણ ધાકી હારીને જંતર મંતર કરનાર પાસે પહોંચી જાય છે. હવે નીતીશકુમાર પણ ધાકી ગયા છે. મનથી હારી ગયા છે. બાબા પાસે જાય છે. નીતીશકુમાર લોકશાહીની મજાક કરી ચુક્યા છે. મોદીએ કહ્યું હતું કે, પહેલા તો બિહારના લોકો જંગલરાજનો સામનો કરી ચુક્યા છે. હવે એક જોડકા ભાઈ પણ મળી ગયા છે. જંગલરાજ અને જંતરમંતરના રાજની સ્થિતિ સર્જાઈ છે. જો બંને રાજ ભેગા થશે તો તબાહી થશે. મોદીએ કહ્યું હતું કે, અમે આ ચૂંટણીમાં વિકાસના મુદ્દાને લઇને આગળ વધી રહ્યા છીએ. બિહારમાં પણ ભાજપ સરકાર બને તેવી ઇચ્છા અમારી દેખાઈ રહી છે. દિલ્હીમાં મજબૂત એન્જિન છે. બિહારમાં પણ મજબૂત એન્જિનની જરૂર છે.
જો બિહારમાં એનડીએની સરકાર બનશે તો બિહારને આ ખાડામાંથી બહાર કાઢી શકાશે. કરપુરી ગામની મહિલાઓની ફરિયાદનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી લોકોની ફરિયાદ સાંભળી રહ્યા નથી. લોકોને વડાપ્રધાન સુધી ફરિયાદ કરવાની ફરજ પડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૩૫ જેટલી મહિલાઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, લાલૂ અને નીતીશ કુમાર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.