ગુજરાતની ચૂંટણીમાં મતદારો ‘નોટા’નો ઉપયોગ કરી શકશે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચુંટણીમાં નોટાના વિકલ્પનો સમાવેશ કરવા માટે રાજ્ય ચુંટણીપંચને આજે આદેશ કર્યો હતો. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં નોટાનો ઉપયોગ કરવા આદેશ કરાયા બાદ આને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. હાઈકોર્ટની બે જજની બનેલી બેંચે આ ચુકાદો આપ્યો હતો. કાર્યકારી ચીફ જસ્ટીસ જયંત પટેલ અને જસ્ટીસ એનવી અંજારીયાની બનેલી બેંચે નોટાને અમલી બનાવવાનો આદેશ કર્યો હતો. સાથે-સાથે તમામ જરૂરી સહાયતા આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. હાઈકોર્ટે તેના અગાઉના ચુકાદામાં સુધારો કર્યો હતો. જેમાં કોર્ટે ઓગસ્ટ મહિનામાં સ્થાનિક સંસ્થાની ચુંટણીમાં ફરજીયાત મતદાનની જોગવાઈ ઉપર સ્ટે મુક્યો હતો. હાઈકોર્ટે આજે કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી હતી.
હાઈકોર્ટ દ્વારા અગાઉ કરાયેલા એક હુકમમાં ફરજિયાત મતદાન સાથે નોટાના વિકલ્પને પણ સ્ટે કરી દેવામાં આવ્યો હતો. આજે પોતાના હુકમમાં હાઈકોર્ટે સુધારો કરી. નોટાની સામેનો સ્ટે ઉઠાવી લીધો છે અને ચૂંટણી પંચને આદેશ કર્યો છે. તેઓ મતદારોના અધિકારોનું રક્ષણ કરે અને તેમને નોટાનો વિકલ્પ આપવામાં આવે. હાઈકોર્ટે ચૂંટણી પંચને કહ્યું હતું કે, જ્યારે હાઈકોર્ટે અગાઉના આદેશમાં ફરજિયાત મતદાન સાથે નોટાના વિકલ્પનો પણ સ્ટે કર્યો હતો. ત્યારે પંચે હાઈકોર્ટમાં આવવું જોઈતું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં સ્થાનિર સ્વરાજયની ચૂંટણીની જાહેરાત તો થઈ ગઈ પણ આ ચૂંટણીમાં મતદારો માટે નોટાનો વિકલ્પ રાખવામાં આવ્યો નહોતો. જેને કારણે મતદારો કોઈને મત ના આપવા માગતા હોય તો પણ તેમણે ફરજીયાત પણે જે ઉમેદવારો ઊભા હોય, તેમાંથી જ કોઈને તો મત આપવાની ફરજ પડવાની હતી.
ગુજરાત ચૂંટણી પંચના કમિશનર વરેશ સિંહાએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની જાહેરાત કરી ત્યારે પત્રકારોના સવાલોના જવાબમાં આ સ્પષ્ટતા કરી હતી. ગુજરાત ચૂંટણી પંચના કમિશનર વરેશ સિન્હાઓ જાહેર કર્યા પછી જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ફરજિયાત મતદાનનો કાયદો લાગુ નથી, એટલે નોટા આ ચૂંટણીમા લાગુ નહીં પડે રાજય ચૂંટણીપંચની અંડરમાં આવતી તમામ ચૂંટણીઓમાં નોટા ફરજિયાત નથી. કારણ કે, રાજય ચૂંટણીપંચ અંતર્ગત યોજાતી ચૂંટણીઓમાં જો ફરજિયાત મતદાનનો કાયદો લાગુ થાય, તો જ નોટાનો ઉપયોગ થઈ શકે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચુંટણીના કાર્યક્રમની ગયા શુક્રવારે જાહેરાત કરાઈ હતી. જેમાં છ મહાનગરપાલિકાની ચુંટણી ૨૨મી નવેમ્બરે યોજાશે. જ્યારે ૨૯મી નવેમ્બરના દિવસે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ મ્યુનિસિપાલટી માટેની ચુંટણી યોજાશે.