નીતિશકુમાર બિહારમાં જંગલરાજના દિવસો પરત લાવવા માગે છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. મોદીએ લાલુ પ્રસાદ યાદવના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં મહાગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે-સાથે નિતિશકુમારને પ્રશ્ન કર્યો હતો કે, તેઓ જંગલરાજના જુના દિવસો પરત લાવવા માંગે છે. દલિતો, પછાત અને અતિપછાત જાતિના અનામત ક્વોટામાંથી પાંચ ટકા અનામત અન્ય એક સમુદાયને આપવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે. મહાગઠબંધન દ્વારા અન્ય સમુદાયના પાંચ ટકા અનામત અન્ય સમુદાયને આપવાનું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું છે. મોદીએ પોતાનો આક્ષેપ દોહરાવીને દાવો કર્યો હતો કે, નિતિશકુમારે પોતે વર્ષ ૨૦૦૫માં સંસદમાં મુસ્લિમો માટે સબક્વોટાની વ્યવસ્થા કરવાની તરફેણ કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, જુના દિવસો નિતિશકુમારને મંજુર હોઈ શકે છે બિહારની પ્રજાને નહીં. મોદીએ ચુંટણીસભામાં જણાવ્યું હતું
કે, નિતિશકુમારે ૨૪મી ઓગસ્ટ ૨૦૦૫ના દિવસે પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. પરંતુ જ્યારે તેઓએ આક્ષેપ કર્યો ત્યારે તેઓ નારાજ થઈ ગયા હતા. ભારતીય બંધારણના નિર્માતા પણ ધર્મના આધાર ઉપર અનામતની તરફેણ કરતા નહતા. મોદીએ કહ્યું હતું કે તેમની પાસે દસ્તાવેજ છે. જેમાં જણાવાયું છે કે, ઓગસ્ટ ૨૦૦૫માં સંસદમાં નિતિશકુમારે શું કહ્યું હતું. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે, નિતિશકુમારમાં હિમ્મત હોય તો તેમના પ્રશ્નનો જવાબ આપે. નિતિશકુમાર એટલી ખોટી વાત કરી રહ્યા છે કે હવે તેમના દાવ લાંબા સમય સુધી ચાલશે નહીં. ચુંટણીના અંતિમ તબક્કામાં ભાજપની પ્રચાર રણનીતિને વિકાસના બદલે જાતિ સમુદાય આધારીત કરી દેવાને યોગ્ય ઠેરાવતા મોદીએ કહ્યું હતું કે, પછાત, અતિપછાત અને દલિતના પુત્રો વિકાસની વાત કરે તે જરૂરી છે.
હાલમાં મહાગઠબંધનના લોકો કહી રહ્યા છે કે, મોદી ચુંટણીની પ્રોફાઈલ બદલી ચુક્યા છે. આ લોકો કહી રહ્યા છે કે મોદી પહેલા વિકાસની વાત કરતા હતા પરંતુ હવે પોતાની પછાત જાતિની ભૂમિકા અંગે વાત કરી રહ્યા છે. મોદીએ એમપણ કહ્યું હતું કે, વિકાસની વાત કરવાનો અધિકાર માત્ર તેમની પાસે જ રહેલો છે. મોદીએ એમપણ કહ્યું હતું કે, નિતિશના શાસનમાં લોકોની હાલત કફોડી બની ગઈ છે. રેલવે સ્ટેશન પર અંધાધુંધ ગોળીબાર થઈ રહ્યો છે. એકસમયે અપહરણના બનાવ બનતા હતા. હવે અપરાધો વધી રહ્યા છે. નિતિશકુમાર સત્તાની લાલચમાં જુના દિવસો લાવવા માંગે છે. પરંતુ બિહારની જનતા જુના દિવસની તરફેણમાં નથી. ભાજપ સત્તામાં આવશે તો કાયદાનું શાસન સ્થાપિત થશે, યુવાનોને રોજગારી મળશે.
બિહારની ચુંટણી એવા લોકોને દંડ કરવાની તક સમાન છે જે લોકો છેલ્લા ૮ વર્ષથી રોકી રહ્યા છે. આમાં એવા ૨૫ વર્ષ પણ સામેલ છે જ્યારે મોટા ભાઈ, નાના ભાઈએ રાજ્યમાં શાસન કર્યું છે. મોદીએ કહ્યું હતું કે, યુવાનોને બહાર જવાની ફરજ પડી રહી છે. મોટાભાગના પ્રવાસી ગોપાલગંજ અને શિવાનના અબુધાબીમાં રહેલા છે. મોદીએ કહ્યું હતું કે, જ્યાં સુધી મોટા ભાઈ, નાના ભાઈ સત્તામાં રહેશે ત્યાં સુધી રોજગારી મળશે નહીં. મોટાભાઈને પોતાના પરિવાર અને સંબંધીઓના સભ્યો સિવાય કોઈની ચિંતા નથી. પહેલા જેલમાં ગયા હતા ત્યારે તેઓએ પોતાની પત્નિને મુખ્યમંત્રી બનાવી દીધા હતા. હવે પોતાના પુત્રોને તૈયાર કરી રહ્યા છે. ભાઈ ભતીજાવાદની સ્થિતિ ચાલી રહી છે. બિહારી લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એનડીએના ૧૬ મહિનાના શાસનમાં એક પૈસાના પણ ભ્રષ્ટાચારના આક્ષેપ નથી. જ્યારે નિતિશ સરકારના પ્રધાનો સ્ટિંગમાં લાંચ લેતા પકડાઈ રહ્યા છે. નિતિશને પ્રશ્ન કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પણ તેઓ બહારની વ્યક્તિ ગણે છે. નિતિશકુમાર કોઈ અન્ય દેશના નહીં બલ્કે ભારતના વડાપ્રધાનને બહારના ગણી રહ્યા છે.