શિવસેનાનો મુંબઇમાં BCCIની કચેરી પર હલ્લાબોલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધના મામલે રાજનિતી શરૂ થઇ ચુકી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઇના ટોચના અધિકારીની આજે થનારી બેઠક પહેલા જ શિવસેનાના કાર્યકરોએ બીસીસીઆઇની ઓફિસમાં ઘુસીને ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી મુંબઈમાં બેઠક યોજાઈ શકી નહતી. હવે પીસીબી અને બીસીસીઆઈની બેઠક શિવસેનાના વિરોધ બાદ નવી દિલ્હીમાં શિફ્ટ કરવામાં આવી છે. આ બેઠક રાષ્ટ્રીય પાટનગરમાં આવતીકાલે યોજાશે. આઈપીએલના ચેરમેન અને બોર્ડના વરિષ્ઠ અધિકારી રાજીવ શુક્લાએ માહિતી આપતા કહ્યું છે કે, વાતચીત મોકુફ કરવામાં આવી નથી. મનોહર અને શહરયાર ખાન આવતીકાલે વાતચીત કરશે, આ વાતચીત દિલ્હીમાં યોજાશે. વાતચીત માટે અન્ય એક દોર યોજાશે. વાતચીતને બંધ કરવામાં આવશે નહીં.
બીસીસીઆઈ રાષ્ટ્રીય હિતો સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. મંગળવારની બેઠકમાં શુક્લાની સાથે-સાથે બીસીસીઆઈનો સેક્રેટરી અનુરાગ ઠાકુર પણ હાજર રહેશે. ટોપ સરકારી અધિકારીઓને પણ પીસીબીના ચેરમેન મળે તેવી શક્યતા છે. મનોહરે ડિસેમ્બરમાં યોજાનારી શ્રેણી માટે વાતચીત કરવા ખાનને આમંત્રણ આપ્યું હતું.અંતિમ નિર્ણય આ મહિનામાં મોડેથી લેવામાં આવી શકે છે. હાલમાં એવી અટકળો ચાલી રહી છે કે બન્ને દેશો યુએઈમાં દ્વિપક્ષીય શ્રેણી રમી શકે છે અથવા તો બાંગ્લાદેશને આવરી લઈને ડિસેમ્બરમાં ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લઈ શકે છે.અગાઉ સેંકડો શિવસેના કાર્યકરોએ બીસીસીઆઇ ઓફિસમાં પહોંચી ગયા હતા અને આ લોકો બોર્ડ પ્રમુખ શશાંક મનોહરની કેબિનમાં ઘુસી ગયા હતા. ત્યારબાદ કાળા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા.
શશાંક મનોહરની કેબિનમાં જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા. શિવસેનાના કાર્યકરોએ પીસીબીના અદ્યક્ષ શહરયાર ખાન અને બીસીસીઆઇના પ્રમુખ શશાંક મનોહરની સામે નારેબાજી પણ કરી હતી. શિવસેનાના કાર્યકરો માંગ કરી રહ્યા હતા કે પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધ પુન સ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં ન આવે.