આતંકી સંગઠન ISમાં વધુ ૧૬ ભારતીય સામેલ થયા

પશ્ચિમ એશિયામાં ઓછામાં ઓછા ૧૬ પ્રવાસી ભારતીય લોકો ખતરનાક ત્રાસવાદી સંગઠન આઇએસમાં સામેલ થયા હોવાના ચોંકાવનારા અહેવાલ મળ્યા છે. આ અહેવાલ આવ્યા બાદ વધારે માહિતી એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ખુલાસો ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓના અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ લોકો ઓમાન, જોર્ડન, કુવૈત, સંયુક્ત અરબ અમિરાત, કતાર અને સાઉદી અરબ જેવા દેશોમાં ગયા બાદ આઇએસમાં સામેલ થયા છે.
એક ઇન્ટેલિજન્સ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે આ અંદાજ ભારતની રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ (રો) અને અન્ય દેશોની ઇન્ટેલિજન્સ વચ્ચે કરવામાં આવેલી માહિતીની આપલેના આધારે આવ્યો છે. આમાંથી મોટા ભાગના ભારતીય યુવકો અને યુવતિઓ છે. આ તમામને નફરતભર્યા પ્રચાર અને અન્ય લાલચ આપીને આઇએસે ફસાવી લેવામાં સફળતા મેળવી છે. ઇન્ટરનેટનો સફળરીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય સિક્યુરિટી એજન્સીની સમીક્ષા મુજબ આઇએસમાં સામેલ થનાર ભારતીય એમ માનતા નથી કે ભાતમાં અન્યાય થાય છે પરંતુ આ તમામ લોકો પશ્ચિમ દેશો પ્રત્યે ખુબ રોષ ધરાવે છે.
સુરક્ષા સંસ્થાઓનુ કહેવુ છે કે જો પહેલાથી જ વિદેશમાં રહેતા ભારતીય લોકો આઇએસમાં સામેલ થઇ રહ્યા છે તો તેને લઇને કોઇ પગલા લઇ શકાય નહી. ઇન્ટેલિજન્સ અધિકારીએ એવો પણ દાવો કર્યો છે કે અમે કેટલાક યુવાનોને આઇએસમાં સામેલ થવાથી રોકવામાં સફળ રહ્યા છીએ. આના માટે તેમના પરિવારના સભ્યો અને મિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદેશમાં રહેતા ભારતીય લોકોનો મામલો અલગ છે. કારણ કે અમે એ વખત સુધી કોઇ કામ કરી શકીએ નહી જ્યાં સુધી તેઓ ભારત પરત ફરતા નથી. ભારત સરકાર હંમેશાથી જ કહેતી આવી છે કે ઈરાક અને સીરિયામાં પ્રભુત્વ ધરાવનાર આઈએસનંુ નેટવર્ક ભારતમાં ફેલાઈ શક્યું નથી. આઈએસ દ્વારા ભારતમાં યુવાનોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા હોવા છતાં તેમાં સફળતા મળી નથી. પરંતુ તાજેતરના દિવસોમાં વારંવાર આઈએસમાં સામેલ થવાના અહેવાલો આવતા રહ્યા છે. જે સરકારની ગણતરીની પોલ ખોલે છે.