બિહારમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન

બિહારમાં અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહ વચ્ચે આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન યોજનાર છે. જેની તમામ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. પાંચ તબક્કામાં યોજનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આવતીકાલે મતદાન યોજનાર છે. કોઇ પણ પ્રકારની ગેરરિતી અને હિંસાને રોકવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તમામ જગ્યાએ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં ૫૪ મહિલા ઉમેદવાર સહિત ૫૮૩ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થનાર છે. પ્રથમ તબક્કામાં ૧૩૨૧૨ મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે કુલ ૮૦૦૦૦ અને ૯૦૦૦૦ મતદાન કર્મચારીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરવા માટે ૧૩૫૭૨૩૩૯ મતદારો ઉત્સુક દેખાઇ રહ્યા છે. કુલ મતદારોમાં પુરૂષ મતદારોની સંખ્યા ૭૨૩૭૨૫૩ જેટલી છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૬૩૧૭૬૦૨ છે. થર્ડ જેન્ડરની સંખ્યા ૪૦૫ છે.
ઉંચા મતદાનની ખાતરી કરવા ચૂંટણી પંચે પણ તમામ તૈયારી કરી છે. મતદાનની શરૂઆત સવારે સાત વાગે થઇ જશે. જે જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાનાર છે તેમાં સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, લખીસરાય, શૈખપુરા, નવાડા અને જમુઈનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ૧૦ જિલ્લાના આવરી લઇને પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. મતગણતરીની પ્રક્રિયા ૮મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. રાજ્યના ચૂંટણી પંચના જણાવ્યા મુજબ નક્સલવાદી પ્રભાવિત જિલ્લાઓમાં મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે જ્યારે કેટાલક ક્ષેત્રોમાં સાંજે ચાર વાગ્યા સુધી અને કેટલાક ક્ષેત્રોમાં પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. પ્રથમ તબક્કામાં આવતીકાલે યોજનાર મતદાન પહેલા જોરદાર ચૂંટણી પ્રચારનો દોર ચાલ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએનુ નેતૃત્વ કર્યુ હતુ. જ્યારે નિતીશ કુમાર અને લાલુ યાદવે મહાગઠબંધન તરફથી પ્રચારની જવાબદારી સંભાળી હતી.
પ્રથમ તબક્કામાં જે મોટા ઉમેદવારના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં હિન્દુસ્તાની અવામી મોરચાના પ્રદેશ અધ્યક્ષ શકુની ચૌધરી, લોકજનશક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પશુપતિકુમાર, ભાજપના રેણુ કુશવાહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સદાનંદ સિંહ, જેડીયુના વિજય ચૌધરી, સીપીએમના રામદેવ વર્માનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે એનડીએ તરફથી મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં ભાજપના ૨૭, એલજેપીના ૧૩, આરએલએસપીના ૬, એચએએમના ૩ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે મહાગઠબંધન તરફથી જેડીયુના ૨૪, આરજેડીના ૧૭, કોંગ્રેસના આઠ ઉમેદવાર મેદાનમા ંછે. આ તબક્કામાં કુલ ૧.૩૫ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે બિહારમાં વધારે પ્રભુત્વ નહી ધરાવનાર માયાવતીએ ૪૯ બેઠકો પૈકી ૪૧ બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ડાબેરી પક્ષો પણ કેટલાક ગાબડા પાડવા માટે ઇચ્છુક છે. પ્રથમ તબક્કામાં સીપીઆઇ દ્વારા ૨૫ ઉમેદવારોને મેદાનમાં ઉતરી દેવામાં આવ્યા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ ૪૯ બેઠકો પૈકી જેડીયુની પાસે ૨૯ બેઠકો છે જ્યારે ભાજપ પાસે ૧૩ બેઠક છે. આરજેડીની પાસે ચાર, ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ, સીપીએમની પાસે એક-એક બેઠક છે. બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠક માટે ૧૨મી ઓક્ટોબરથી લઇને ૫મી નવેમ્બર વચ્ચે પાંચ તબક્કામાં મતદાન યોજાનાર છે. મતગણતરી ૮મી નવેમ્બરના દિવસે યોજાશે.