ચૂંટણી લાભ માટે તોફાનો કરાવાય છેઃ શિવસેના

ઉત્તરપ્રદેશના દાદરીમાં ગૌમાંસની અફવા પર હત્યાને લઇને વિરોધ પક્ષ અને બૌદ્ધિક સમુદાયના આકરા પ્રહારોનો સામનો કરી રહેલી મોદી સરકાર ઉપર હવે શિવસેનાએ પણ તીવ્ર પ્રહારો કર્યા છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખમાં દાદરી હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી જીતવા માટે આ પ્રકારની હિંસા ફેલાવવામાં આવી રહી છે. સામનાના તંત્રી સંજય રાવતે પોતાના લેખમાં લખ્યું છે કે, દેશમાં રાજકીય કારણોથી ધાર્મિક તંગદિલી ફેલાવવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા માટે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે તંગદિલી ફેલાવવામાં આવે છે. રમખાણો કરાવવામાં આવે છે. હિંસા ફેલાવવામાં આવે છે. આ હિંસા વચ્ચે રાજકીય રોટલી શેકવામાં આવે છે. હાલમાં આવી જ ગણતરી અપનાવવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ પ્રકારની હિંસામાં સામેલ થઇને લાભ ઉઠાવવા ઇચ્છુક છે. સામનામાં પ્રકાશિત લેખમાં રાવતે પરોક્ષરીતે તમામ રાજકીય પાર્ટીઓની જોરદાર ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે, આના માટે તમામ પક્ષો જવાબદાર છે.
રાવતે લખ્યું છે કે, ગુપ્તરીતે તમામ લોકો આ નીતિ હેઠળ કામ કરી રહ્યા છે. દેશના બિનસાંપ્રદાયિક માળખાને નુકસાન પહોંચાડીને અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના કોઇ પ્રયાસને ચલાવી લેવામાં આવશે નહીં. લેખમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, દાદરી જેવી ઘટનાઓમાં કાયદા હેઠળ કઠોર કાર્યવાહી કરવી જોઇએ. આ લેખમાં મહારાષ્ટ્ર સરકાર ઉપર પણ ધાર્મિક તંગદિલી ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ ભાજપની સરકાર છે. સામનાના લેખમાં દાદરી હિંસાના મામલાને યુએન સુધી લઇ જવાના નિવેદન પર સપાના નેતા આઝમ ખાનની પણ ઝાટકણી કાઢવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આઝમ ખાન પોતાને સેક્યુલર અને મુસ્લિમોના દેવતા તરીકે ગણે છે. પરંતુ આઝમ ખાને સેક્યુલર શબ્દના ખોટા અર્થ અપનાવેલા છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, દેશમાં હિન્દુ અને મુસ્લિમોમાં ઘણા એવા આઝમ ખાન છે જેમના કારણે દેશમાં જાતિવાદ અને ધાર્મિકતાના બે હિસ્સા છે.