અનામત નીતિ રદ્દ કરવાની કોઇ યોજના નથીઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનામતના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભાજપ અનામતની વિરુદ્ધમાં છે તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે. આજે સાંજે મુંબઈમાં એક જાહેર સભાન્છો સંબોધતા મોદીએ કહ્યું હતું કે, એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે, સરકાર અનામતની વ્યવસ્થાને રદ કરવાની દિશામાં આગળ વધી રહી છે જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવે છે ત્યારે આ પ્રકારની અફવા ફેલાવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી સરકાર વખતે પણ આવી અફવા ફેલાવવામાં આવી હતી.
એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે બે ઇલેવેટેડ મેટ્રો પ્રોજેક્ટ માટે આધારશીલા મુક્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે, બિનજરૂરીરીતે વિરોધી પક્ષો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. સંઘના વડા મોહન ભાગવતે હાલમાં જ અનામતની નીતિની સમીક્ષા માટે ટિપ્પણી કરી હતી. ત્યારબાદથી ભાજપનો વિરોધ થઇ રહ્યો હતો. અનામતના મુદ્દે પક્ષનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. બાબાસાહેબ આંબેડકરે અમને જે કંઇપણ બંધારણમાં આપ્યું છે તેને કોઇપણ લોકો આંચકી શકે નહીં. તેઓ ગરીબી જોઈ ચુક્યા છે. ગરીબીમાં રહી ચુક્યા છે. બાબાસાહેબ આંબેડકર તમામ માટે પ્રેરણા સમાન છે. બાબાસાહેબને મહાપુરુષ તરીકે ગણાવીને મોદીએ કહ્યું હતું કે, તેઓએ પણ ઘણા પડકારોનો સામનો કર્યો હતો. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનામતનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે ત્યારે પહેલી વખત નરેન્દ્ર મોદીએ અનામત અંગે નિવેદન આપ્યું છે.
વડાપ્રધાન મોદીએ મુંબઈ ખાતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભાજપ અનામત વિરોધી છે, એ વાત તદ્દન ખોટી છે. વડાપ્રધાન રવિવારે મુંબઈ ખાતે શહેરની વચ્ચોવચ આવેલા ઇન્દુ મિલ્સ પરિસરમાં બાબાસાહેબ આંબેડકરના ભવ્ય સ્મારકનો શિલાન્યાસ કરવા આવ્યા હતા. બાંદ્રામાં મેટ્રો પ્રોજેક્ટના શિલાન્યાસ બાદ એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેટલાક લોકો એવું જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે કે આરી સરકાર અનામત વ્યવસ્થાને નાબૂદ કરી નાંખશે. ડો. બાબાસાહેબ આંબેડકરનું સપનું જારી રહેશે. અનામત વ્યવસ્થા ચાલુ રહેશે. વડાપ્રધાન મોદીએ ખુદને પછાત જ્ઞાતિના ગણાવવા સાથે જણાવ્યું હતું કે, ભાજપ અનામત વિરોધી છે, એવી અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપશો. અત્રે ઉલ્લેખનીય છે કે બિહારની ચૂંટણીમાં ખાસ કરીને સંઘના વડા મોહન ભાગવતના અનામત અંગેના નિવેદન પછી વિરોધીઓનું નવું રાજકીય શસ્ત્ર મળી ગયું હતું.