વલસાડમાં છ બાળક-પત્નીની હત્યા કરી ખેડૂતે કર્યો આપઘાત

વલસાડથી આશરે ૮૭ કિલોમીટરના અંતરે આવેલા ધરમપુરમાં પોતાની પુત્રીની પુત્રી, પાંચ બાળકો અને પત્નીની ઘાતકી હત્યા કર્યા બાદ ખેડૂતે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને લઇને સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. નાની કોસબાડી નજીકના વિસ્તારમાં ખેડૂતે પોતાના પરિવારના સભ્યોની ધારદાર હથિયારથી હત્યા કેમ કરી તેને લઇને તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
સામૂહિક હત્યાકાંડનો આ બનાવ બનતા આસપાસના વિસ્તારોમાં પણ આને લઇને ચકચાર મચી ગઈ છે. ખેડૂતે પોતાની પુત્રીની એક વર્ષની પુત્રીની ઘાતકી હત્યા કરી દીધી હતી. આ બનાવ શનિવારે મોડીરાત્રે બન્યો હોવાના અહેવાલ મળ્યા છે. મળેલી માહિતી મુજબ જિલ્લાના અંતરિયાળ કોસબાડી ગામના ઉપલા ફળિયામાં પોતાના ૭ સંતાનો અને પોતાની મોટી દિકરીની દિકરી સાથે રહેતા ખેડૂત શ્રવણભાઈ માસુભાઈ કાનત (૩૫)એ શનિવારે મોડીરાત્રે કોઇક અગમ્ય કારણોસર પોતાની ૩૪ વર્ષીય પત્ની સહિત ૧૪થી ૧૭ વર્ષની વયના પાંચ બાળકોને ધારદાર હથિયાર વડે શરીરના વિવિધ ભાગોમાં આડેધડ ઘા કરી હત્યા કરી પોતે પણ તમામના મૃતદેહ નજીક ઘરના મોભ પર દોરડા વડે ફાંસો ખાઈ લીધો હતો.
શ્રવણનું ઘર ડુંગર ઉપર હોય ઘટનાની ખબર મોડેથી થતાં સમગ્ર ગામ ડુંગર પર પહોંચ્યું હતું. જ્યાં ઘરમાં ચારેબાજુ લોહીના ખાબોચિયા ભરાયા હતા. તમામ મૃતદેહોના ગળાના ભાગે સૌથી વધુ ઘા મરાયા હતા. એક વર્ષની માસૂમને પણ ગળા ભાગે હથિયાર વડે ગળુકાપીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિકરીતે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હાલમાં કોઇપણ વાત કરવાનો ઇન્કાર કર્યો છે.