તૂકર્ીના પાટનગર અંકારામાં આતંકી હુમલોઃ ૮૬ મોત

તુર્કીના પાટનગર અંકારામાં આજે એક પછી એક થયેલા બે બ્લાસ્ટના કારણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ બ્લાસ્ટ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન નજીક થયા હતા. આ બ્લાસ્ટમાં ૮૬ લોકોના મોતના એહવાલને સમર્થન મળી ચુક્યું છે પરંતુ મોતનો આંકડો હજુ વધે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા ૧૪૦થી પણ ઉપર હોવાનું જાણવા મળ્યું છે જેથી મોતનો આંકડો વધી શકે છે. ઘાયલો પૈકી ઘણાની હાલત ગંભીર બનેલી છે. સાક્ષીઓએ માહિતી આપતા કહ્યું છે કે, આ બ્લાસ્ટમાં એટલી પ્રચંડ તીવ્રતા હતી કે, આસપાસનતી ઇમારતો પણ હચમચી ઉઠી હતી.
તુર્કી સરકારે કહ્યું છે કે, આ આતંકવાદી હુમલો હતો. લોકલ મિડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બ્લાસ્ટ અંકારા સેન્ટ્રલ રેલવે સ્ટેશન નજીક થયા હતા. જે જગ્યાએ બ્લાસ્ટ થયા હતા ત્યા લોકો શાંતિ રેલી યોજી રહ્યા હતા. તુર્કીના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીના એક તરીકે આને જોવામાં આવે છે. અહીં દરરોજ ૧૮૧ ટ્રેનો પસાર થાય છે. આ બંને હુમલાઓ આત્મઘાતી બોંબર દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિડિયો ફુટેજથી જાણવા મળ્યું છે કે, માર્ચમાં ભાગ લેનાર લોકોના મોત થયા છે. બ્લાસ્ટ બાદ ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ચારેબાજુ મૃતદેહો નજરે પડ્યા હતા. ઘટનાસ્થળ ઉપર સેકડો લોકો એકત્રિત થઇ ગયા હતા. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, તપાસના આદેશ કરાયા છે. બ્લાસ્ટ એવા સમયે થયા છે ત્યારે તુર્કીમાં સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ સપ્તાહ બાદ સંસદીય ચૂંટણી પણ યોજાનાર છે. બ્લાસ્ટને લઇને જુદા જુદા અહેવાલ આવી રહ્યા છે. તુર્કીએ તાજેતરમાં જ આતંકવાદી સંગઠન આઈએસની સામે પોતાનું વલણ કઠોર બનાવ્યું છે. તુર્કીએ અમેરિકાને આઈએસની સામે હુમલા કરવા માટે પોતાના એરબેઝનો ઉપયોગ કરવાની મંજુરી આપી છે.