લોન છેતરપિંડીઃ માલ્યાની કિંગફિશર પર સીબીઆઇના દરોડા

સીબીઆઈએ આજે વિજય માલ્યાની નિષ્ક્રિય બનેલી કિંગફિશર એરલાઇન્સ ઉપર પણ દરોડા પાડ્યા હતા. લોન છેતરપિંડી કૌભાંડના મામલામાં આ તપાસ કરવામાં આવી હતી. આઈડીબીઆઈ બેંકની ૯૫૦ કરોડ રૂપિયાની લોનના મામલામાં ચાલી રહેલી તપાસ સંદર્ભે દરોડા પડાયા હતા. શરાબના બિઝનેસ સાથે જોડાયેલા વિજય માલ્યા અને તેમની નિષ્ક્રિય કંપની કિંગફિશર એરલાઇન્સ ઉપર દરોડાથી સનસનાટી મચી ગઈ હતી. એરલાઇન નેગેટિવ ક્રેડિટ રેટિંગ હોવા છતાં બેંક દ્વારા કંપનીને ૯૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બેંકિંગ એનપીએ ફ્રોડ તપાસના ભાગરુપે આ દરોડા પડાયા હતા. ગયા વર્ષે છેતરપિંડીના મામલામાં તપાસ શરૂ થઇ હતી. એજન્સીએ લોન છેતરપિંડીની એફઆઈઆર દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. થોડાક દિવસ પહેલા જ ફ્રોડ અંગેની જાહેરાત થઇ હતી. તપાસ સંસ્થા દ્વારા અન્ય જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા કેટલીક ખાનગી કંપનીઓને આપેલી લોનના મામલામાં તપાસ કરી રહી છે. સીબીઆઈએ આક્ષેપ કર્યો છે કે, દસ્તાવેજોમાં ચકાસણી કરાઈ હતી.
સૂત્રોનું કહેવું છે કે, આ કેસના સંદર્ભમાં વિજય માલ્યાની ટુંકમાં પુછપરછ કરવામાં આવે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. અગાઉ પ્રાથમિક તપાસ દરમિયાન સીબીઆઈએ એરલાઇનને આપવામાં આવેલી લોન માટેના કારણો અંગે ખુલાસો કરવા કિંગફિશર અને આઈડીબીઆઈના અધિકારીઓને સૂચના આપી હતી. સાથે સાથે કારણોમાં તપાસ કરી હતી. તેના પોતાના ઇન્ટરનલ રિપોર્ટની પણ અવગણના કરીને ંજંગી લોન આપી હતી. ખુબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કે, ઓક્ટોબર ૨૦૧૨માં દેવામાં ડુબેલી એરલાઈને ઓપરેશન બંધ કર્યું હતું. સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે, એજન્સીએ ગયા વર્ષે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. કારણ કે બેંક કટોકટીમાં રહેલી એરલાઈનને લોન આપવા માટેના કારણો અંગે સંતોષજનક જવાબ આપી શકી ન હતી. નોન પર્ફોર્મિંગ એસેટના મામલામાં સીબીઆઈની તપાસ જુદી જુદી જાહેર ક્ષેત્રની બેંકોમાં ચાલી રહી છે. આવા સમયમાં વિજય માલ્યાની કંપનીને લોન આપનાર સામે પણ તપાસ થઇ રહી છે.