ભારત રોકાણ માટે આકર્ષક સ્થળ, વિશ્વાસપાત્ર કર વ્યવસ્થાઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આશા વ્યક્ત કરી હતી કે, ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સને ૨૦૧૬થી અમલી બનાવી દેવામાં આવશે. બેંગ્લોરમાં ભારત અને જર્મન બિઝનેસ લીડરો સાથે વાતચીત કરતા મોદીએ કહ્યું હતું કે, અમે સંસદમાં જીએસટીને રજુ કરી ચુક્યા છીએ અને આશા છે કે ૨૦૧૬થી તેને અમલી બનાવી દેવામાં આવશે. આ બિલને લોકસભામાં પહેલાથી જ મંજુરી આપી દેવામાં આવી છે. જ્યારે રાજ્યસભામાં તે પેન્ડીંગ છે. એનડીએ પાસે રાજ્યસભામાં બહુમતિ નથી. સંસદની મંજુરી મળી ગયા બાદ અડધા રાજ્યોને પણ મંજુરીની જરૂર પડશે. મોદીએ કહ્યું છે કે, મૂડીરોકાણકારોની લાંબાગાળાની ચિંતાને દૂર કરવા માટે નિર્ણાયક પગલા લેવામાં આવી ચુક્યા છે. અમારી સ્પષ્ટ ગણતરી છે કે, રેક્ટ્રોસ્પેક્ટીવ ટેક્સેશનને જાળવી રાખવામાં આવશે નહીં.
તેમણે એમપણ કહ્યું હતું કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ઉપર મેટને અમલી બનાવવા માટે અમે જઈ રહ્યા નથી. અમે બે વર્ષ સુધી જનરલ એન્ટી એવોઈડેન્સ રુલ (ગાર)ને પણ અમલી બનાવવા જઈ રહ્યા નથી. સાથે-સાથે એવો નિર્ણય પણ કરાયો છે કે, કોઈપણ દુવિધાને જાળવી રાખવામાં આવશે નહીં. ભાજપના શાસન દરમિયાન વિશ્વનિયતા વધારવામાં આવી છે. વૈશ્વિક કંપનીઓની નજરમાં ભારતની વિશ્વસનિયતા તાજેતરના વર્ષોમાં વધી છે. સરકાર દ્વારા રેગ્યુલેટરી મંજુરીની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. ડિફેન્સ સેક્ટરમાં લાઈસેનિંગ જરૂરીયાતોને ઘટાડવામાં આવી રહી છે.
ટેક્સ પોલીસીને વધારે લોકલક્ષી બનાવાઈ રહી છે. ઈન્ડસ્ટ્રીયલ લાઈસન્સની કાયદેસરની અવધિને વધારવામાં આવી રહી છે. ડિફેન્સ વસ્તુઓ લાઈસન્સ મુક્ત કરવામાં આવી રહી છે. સર્ટિફિકેટના ઉપયોગનો અંત લાવવા જેવા નિયંત્રણોને ઉદાર બનાવવામાં આવી રહ્યા છે. ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ લાઈસન્સની કાયદેસરતાની અવધિનો ગાળો વધારવામાં આવી રહ્યો છે. આને ત્રણ વર્ષથી વધારીને ૧૮ વર્ષ કરવામાં આવી રહ્યો છે. રિયલ એસ્ટેટ ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે કેપિટલ ગેઈન ટેક્સની વ્યવસ્થા તર્કસંગત બનાવાઈ છે.
મોદીએ એમપણ કહ્યું હતું કે, વિદેશી એફડીઆઈ પ્રવાહમાં આ નાણાકીય વર્ષમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. મોદીએ આઈટી મુદ્દે પણ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, ભારતે ટેલેન્ટ અને ટેકનોલોજી તથા રોકાણને બહારથી લાવવામાં સફળતા મેળવી છે. ભારતીય સોફ્ટવેર વિશ્વના હાર્ડવેરમાં ક્રાંતિ લાવશે. ૧.૨૫ અબજ નાગરીકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા ટેકનોલોજી અસરકારક રહેશે. ભારત-જર્મન સમિટને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ભારત ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત-જર્મનીની આર્થિક તાકત મજબુત બની રહી છે. ૧૫ મહિનાના ગાળામાં જ ભારત બિઝનેસ શરૂ કરવા માટે મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આવનાર દિવસોમાં સ્થિતિ વધારે મજબુત બની શકે છે.