તમિળ અભિનેતા વિજયના આવાસ પર આઇટીની રેડ

કરચોરીના સંબંધમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે સવારે તમિળ ફિલ્મ પુલીના નિર્માતા અને નિર્દેશકો તેમજ તમિળ અભિનેતા વિજયના આવાસ પર વ્યાપક દરોડા પાડ્યા હતા. દરોડાના કારણે ભારે ખળભળાટ મચી ગયો હતો.
સુત્રોેએ માહિતી આપતા કહ્યુ છે કે આઇટીના અધિકારીઓએ આ ફિલ્મના કલાકારો અને અને ક્રુ મેમ્બરો સાથે જોડાયેલા ૨૫થી વધુ સ્થળ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ફિલ્મ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ગુરૂવારના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશક તરીકે ચિમ્બુ દેવન છે. જ્યારે નિર્માતા તરીકે શિબુ થામીનન્સ છે. દરમિયાન દક્ષિણ ભારતના અભિનેતા નયનથારાના આવાસ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોચીમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ વ્યાપક તપાસ કરી હતી.
કોચીમાં ચેન્નાઇથી આઇટી ટીમ નયનથારાના આવાસ પર દરોડા પાડી રહી છે. તેમના ફ્લેટ પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહી સવારે આઠ વાગે શરૂ કરવામાં આવી હતી. ચેન્નાઇની એક ટીમના નેતૃત્વમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના કહેવા મુજબ આવી જ કાર્યવાહી ચેન્નાઇ અને હૈદરાબાદમાં પણ કરવામાં આવી રહી છે.
આઇટીની કાર્યવાહી શરૂ થયા બાદ તેમના ચાહકોમાં સનસનાટી મચી ગઇ હતી. જુદા જુદા ભાગોમાં આ ચર્ચા જોવા મળી હતી. આઇટીના અધિકારીઓ દ્વારા દસ્તાવેજોમાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે.