દેશભરમાં ચળવળ ચલાવવા હાદિર્ક પટેલની જાહેરાત

ગુજરાતમાં પટેલ આંદોલનને આગળ વધારી રહેલા લીડર હાર્દિક પટેલે આજે દેશભરમાં તેમની ચળવળને લંબાવવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં ગુર્જરો માટે લડત ચલાવવા માટે પણ તેઓએ વાત કરી હતી. જુદા જુદા હેતુ માટે મેળવેલી જમીનને પરત આપવા માટેની માંગણી સાથે નવી લડાઈ શરૂ કરાઈ છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે પટેલ, કુરમી અને ગુર્જરોના છત્ર સંગઠન અખિલ ભારતીય પટેલ નવ નિર્માણ સેના દેશના જુદા જુદા ભાગોમાં આ તમામ સમુદાયના અધિકારો માટે કામ કરશે.
બીજી તરફ અનામતના પ્રશ્નને લઇ રાજકોટમાં આપઘાત કરી લેનાર ઉમેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે હાદિર્ક પટેલ અને લાલજી પટેલ બન્ને રાજકોટ આવનાર છે ત્યારે આ બાબતને લઇ ભારે ઉત્તેજના જાગી છે. તો આ દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ સતર્ક બની હાદિર્ક પટેલ અને લાલજી પટેલની તમામ ગતિવિધિ પર બાજ નજર રાખશે.
દિલ્હી ખાતે ૨૨ વર્ષીય ગુજરાતી નેતાએ કહ્યું હતું કે, જ્યારે અમે દિલ્હી આવ્યા છીએ ત્યારે અમને જાણવા મળ્યું છે કે, અમારા ભાઈઓની જમીન જુદા-જુદા કારણોસર મેળવી લેવામાં આવી છે અને હવે તેમની જમીન ઉપર મોટા માળખા બનાવી દેવાયા છે. હાર્દિકે કહ્યું હતું કે, અમારા ગુર્જર ભાઈઓ માટે લડત ચલાવવા અમે તૈયાર છીએ. જ્યાં જ્યાં જમીન ઉપલબ્ધ છે ત્યાં કામ ન થયું હોય તો ગુર્જરભાઈઓને આ જમીન પરત આપવા લડત ચલાવવામાં આવશે. એક રેલીનું પણ રામલીલા મેદાન ખાતે કરવામાં આવશે. જોકે આ રેલી ક્યારે યોજાશે તે અંગે કોઈ વાત કરાઈ નહતી.
પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ભવન, અક્ષરધામ અને સંસદ જેવા મહત્વપૂર્ણ માળખા ગુર્જરો અને કુરમી પાસેથી મેળવેલી જમીન ઉપર બન્યા છે. ભાજપને ચેતવણી આપતા હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાતમાં અમે જોયું છે કે, જો કોઈ વ્યક્તિએ વડાપ્રધાન બનાવવામાં મદદ કરી છે તો તે અમે છીએ જેથી અમને નુકશાન થવું જોઈએ નહીં. તેમણે એમપણ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં પણ અમારા આંદોલનને ચલાવાશે. અમે એક એવા સંગઠનની રચના કરીશું જેમાં પટેલ નવ નિર્માણ સેના હાકલ કરશે ત્યારે દેશમાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ જાય. જેમાં પટેલ, મરાઠા, કુરમી અને ગુર્જરોનો એક અવાજ થવો જોઈએ.