RBI રેપોરેટ ૦.૫૦ ટકા ઘટાડતા ઉદ્યોગજગત ખુશ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ભારે અપેક્ષા વચ્ચે તેની ચોથી દ્ધિમાસિક નાણાંકીય નિતી સમીક્ષા જારી કરી હતી. જેમાં રીઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને અપેક્ષા કરતા પણ વધારે ૫૦ બેઝિક પોઇન્ટનો ચાવીરૂપ રેપો રેટમાં ઘટાડો કરીને તમામને ચોંકાવી દીધા હતા. રેપો રેટમાં ઘટાડો થતા હવે તમામ લોન વધારે સસ્તી થશે. કાર અને હોમ લોન મેળવી લેવા ઇચ્છુક તમામ લોકોને તહેવારમાં મોટી રાહત મળી ગઇ છે. આજે પોલીસી સમીક્ષા જારી કરતા રાજને રેપો રેટમાં ૫૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આની સાથે જ રેપો રેટ ઘટીને હવે ૬.૭૫ ટકા થઇ ગયો છે. રેપોરેટ હવે સાડા ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. રિવર્સ રેપોરેટ હવે ૫.૭૫ ટકા, એમએસએફ ૭.૭૫ ટકા, બેંકરેટ ૭.૭૫ ટકા થયો છે.
નાણાકીય નીતિ સમીક્ષા નિવેદન જારી કરતાં રાજને કહ્યું હતું કે, અમારી છેલ્લી પોલીસી સમીક્ષા બાદથી સ્થિતિમાં સુધારો થયો છે. જાન્યુઆરી ૨૦૧૬ માટે ૬ ટકાના ફુગાવાના ટાર્ગેટને હાંસલ કરી શકાશે. વિકાસને પ્રોત્સાહન આપવા માટે પગલા લેવાઈ રહ્યા છે. હવે મુખ્ય ધ્યાન વર્ષ ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષના અંત સુધી ફુગાવાને ઘટાડીને ૫ ટકા સુધી લાવવાનો છે. રિઝર્વ બેંકનું વલણ યથાવત રીતે જારી રહેશે. રિઝર્વ બેંક નાણાકીય નીતિ સમીક્ષા જારી કરતીવેળા આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખશે. ફુગાવાના સંદર્ભમાં આરબીઆઈએ કહ્યું હતું કે, કેટલાક સંજોગોના લીધે ફુગાવામાં ફેરફારની સ્થિતિ રહી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર રાજન છેલ્લા કેટલાક દિવસથી નાણાં મંત્રાલય અને ઈન્ડસ્ટ્રી તરફથી દબાણ હેઠળ હતા. કારણકે નાણાં મંત્રાલય અને ઈન્ડસ્ટ્રી દ્વારા ઈકોનોમી રિકવરીની ગતિને ઝડપી કરવા વ્યાજદરમાં કાપની માંગ કરી રહ્યા હતા. ભારત ઉપર ચીનની ધીમી ગતિની અસર પણ જોવા મળી રહી છે. ફુગાવો રેકોર્ડ નીચી સપાટી પર રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદીની સ્થિતીમાં વિકાસમાં તેજી લાવવા પાછળ પણ હેતુ રહેલો છે. જો કે રાજને કેશ રીઝર્વ રેસિયોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. આ દર યથાવત ચાર ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઇએ આ વર્ષે પહેલાથી જ હજુ સુધી પોલીસી રેટમાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો છે. રાજન હાલમાં નાણાં મંત્રાલય તરફથી તીવ્ર દબાણ હેઠળ હતા. તેમના પર સરકાર ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યાજદરમાં કાપ મુકવા માટે દબાણ લવાઇ રહ્યુ હતુ.
આર્થિક રિક્વરીની ગતિને ઝડપી કરવા તેમના પર દબાણ હતુ. તેમણે કહ્યુ હતુ કે જાન્યુઆરી ૨૦૧૬ સુધી ફુગાવાના છ ટકાના ટાર્ગેટને હાંસલ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આરબીઆઇએ ચોથી ઓગષ્ટના દિવસે તેની છેલ્લી ત્રીજી દ્વિમાસિક નાણાંકીય નિતી સમીક્ષા જારી કરી હતી. જેમાં આરબીઆઇએ વ્યાજદરને ધારણા પ્રમાણે જ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આની સાથે જ કાર લોન, આવાસ લોન અને અન્ય વ્યક્તિગત લોન સસ્તી થવાની આશામાં રહેલા લોકોને નિરાશા હાથ લાગી હતી. પોલિસી રેપોરેટને એ વખતે ૭.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. જ્યારે રિવર્સ રેપોરેટને ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. સીઆરઆરને ચાર ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
એસએલઆરને ૨૧.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. જાન્યુઆરી મહિનામાં પ્રથમ વખત રેટમાં કાપ મુકવામાં આવ્યો હતો. આજના મોટા કાપ પહેલા આ કેલેન્ડર વર્ષમાં ત્રણ વખત રેટમાં કાપ અગાઉ મુકવામાં આવી ચુક્યો છે. જુનમાં ઘટાડો કરવામાં આવ્યો તે અગાઉ જાન્યુઆરી અને માર્ચમાં રેપો રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. અગાઉ આ કેલેન્ડર વર્ષ દરમિયાન આરબીઆઇ દ્વારા રેટમાં ત્રણ વખત ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ભારત વિશ્વમાં સૌથી ઝડપી ઉભરી રહેલા અર્થતંત્રમાં સ્થાન મેળવી ચુક્યું છે. ચીનને પાછળ છોડવામાં ભારતે સફળતા મેળવી છે.જાન્યુઆરી અને માર્ચ મહિનામાં બે વખત પોલિસી રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરાયો હતો. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ છેલ્લા ૧૦ મહિનાથી નીચી સપાટી ઉપર છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સનો આંકડો માઇનસ ૪.૯૫ ટકા રહ્યો છે જ્યારે રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં ૩.૬૬ ટકા રહ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો આંકડો બજારની અપેક્ષા કરતા પણ ઓછો એટલે કે સાત ટકા રહ્યો છે.આજની પોલીસી સમીક્ષાની ચારેબાજુ ચર્ચા રહી હતી.