રાહત પેકેજની જાહેરાત બાદ સુરત-ભાવનગરમાં તોફાનો

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી વધુ ઉગ્ર બનેલા પાટીદાર અનામત આંદોલનને શાંત કરવા આજે જાહેર કરેલા આર્થિક પેકેડના મિશ્ર પ્રભાઘાત પડ્યા છે. એક તરફ ભાજપ દ્વારા આજે સાંજે આ વિશેષ પેકેજનો આવકારવા તમામ શહેર અને જિલ્લાઓમાં આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં બીજી તરફ સુરત અને ભાવનગર વગેરે સ્થળોએ આ પેકેજનો કેટલાંક તત્વો દ્વાર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સુરતના વરાછા રોડ પર માનગઢ ચોક તથા મીની બજારમાં આતશબાજી કરી રહેલા ભાજપના કાર્યકરો ઉપર કેટલાક પાટીદાર યુવાનો દ્વારા પથ્થરમારો કરતાં ભારે તંગદિલી સર્જાઈ હતી.
સુરતના મેયર નિરંજન જાંજમેરની કાર ઉપર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે કે ફરજ પર તૈનાત અધિકારીઓએ મેયરને હેમખેમ સલામત સ્થળે લઈ ગયા હતા. સુરતના વરાછા રોડ પર થયેલા પથ્થરમારથી ઘટનાને કાબુમાં લેવા પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી અને તોફાની ટોળાને વિખેરવા અડધો ડઝનથી ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ ઉપરાંત ભાવનગરમાં પણ આતશબાજી કરી રહેલા ભાજપના કાર્યકરો અને તોફાની તત્વો વચ્ચે કેટલાક સ્થળોએ ઝડપ થઈ હતી.
ભાજપના પ્રદેશ સંગઠન તરફથી ગઈકાલે જ જિલ્લા તથા શહેર એકમો પર સરકયુલર મોેકલી આજે જાહેર થનારા આર્થિક પેકેજને આવકારવા સાંજે આતશબાજીનો કાર્યક્રમ યોજવાની તાકીદ કરી હતી. જેના ભાગરૂપે સાંજે તમામ જિલ્લા અને શહેર મથકો પર ભાજપ દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે બિન અનામત વર્ગ માટે રાજય સરકાર જાહેર કરેલા આ આર્થિક પેકેજને કોંગ્રેસપક્ષે પ્રજા સાથે છેતરપીંડી સમાન ગણાવી તેનો વિરોધ કર્યો હતો અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આ પેકેજને લોલીપોપ સમાન ગણાવી આંદોલન ચાલુ રહેશે. તેવી જાહેરાત કરી હતી.
દરમિયાન અમદાવાદ શહેર સંગઠનનાં પ્રમુખ રાકેશભાઈ શાહે આજે ગાંધીનગર ખાતે તમામ વર્ગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બિનઅનામત વર્ગના યુવા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના રૂપે જે જાહેરાત કરાઈ તેને ભાજપાના સૌનો સાથે સૌનો વિકાસનાં વિકાસમંત્રને પુનઃચરિતાર્થ સમાન ગણાવી શહેર સંગઠનવતી મુખ્યમંત્રી અને સમગ્ર ગુજરાત સરકારને હાર્દિક અભિનંદન પાઠવી અને આભાર વ્યક્ત કર્યો હતો. સાડાચાર લાખ રૂપિયાની ઓછી વાર્ષિક આવક ધરાવતા તમામ પરિવારોને આજે જે રાહત પેકેજ જાહેર કરાયું છે. તેનાથી, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓનાં ભાવિ અભ્યાસ માટે એક અદભુત સુરક્ષા અને આશા-અરમાનોનું વાતાવરણ ઉભું થશે તેમ શહેર પ્રમુખએ જણાવ્યું હતું.શહેરના તમામ વોર્ડમાં મુખ્યમંત્રીની બિન અનામત વર્ગના રાહત પેકેજની જાહેરાતોને હર્ષભેર વધાવી લઈ ભાજપા કાર્યકરોએ નાગરિકો સાથે આતશબાજી અને ઢોલ,નગારા, ત્રાંસા સાથે ઉત્સવ ઉજવી પરસ્પર મ્હોં મીંઠુ કરવી ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી.