મોદીની અમેરિકામાં મેક ઇન ઇન્ડિયા મુદ્દે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાંચ દિવસની ઐતિહાસિક યાત્રાએ અમેરિકાના ન્યુયોર્ક પહોંચી ગયા હતા. જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ન્યુયોર્કમાં આવી પહોંચ્યા બાદ મોદીના પ્રથમ દિવસના કાર્યક્રમમાં મોટાભાગે મેક ઈન ઈન્ડિયાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મોદીનો ભરચક કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે. મોદીએ સાંજે જુદા-જુદા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ન્યુયોર્ક અને શિકાગો મેટ્રો વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાંથી કોમ્યુનિટી સભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આર્થિક એજન્ડા ઉપર મોદી આવી ગયા હતા. મોદી જ્યાં રોકાયેલા છે તે હોટલ વાલ્ડોર્ફ ખાતે ફાઈનાન્સ સેક્ટરના લીડરો સાથે તેમની રાઉન્ડ ટેબલ ચર્ચા શરૂ થઈ હતી. તેઓએ લોકહીડ માર્ટીન, એરોસ્પેસના ક્ષેત્રના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેના ભાગરૂપે તેઓ યુએન વિકાસ શિખર સમિટને સંબોધનાર છે. મોદી ૨૬-૨૭મી સપ્ટેમ્બરના દિવસે કેલિફોર્નિયામાં રહેશે. જ્યાં તેઓ ટોપ ઉદ્યોગપતિઓ સાથે વાત કરશે. આવતીકાલે મોદી વિકાસ સમિટને સંબોધન કરનાર છે. તેઓ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સાથે દ્ધિપક્ષીય વાતચીત કરનાર છે. મોદી અને ઓબામા વચ્ચેની આ ત્રીજી બેઠક રહેશે. તેમની આ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં તેઓ ગઇકાલે આયરલેન્ડ પહોંચી ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આયરલેન્ડની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી ૬૦ વર્ષ બાદ બીજા ભારતીય વડાપ્રધાન બન્યા હતા. મોદીએ ભારતીય સમુદાય સાથે પણ વાત કરી હતી. ૧૯૫૬માં પંડિત જવાહરલાલ નહેરુએ આયરલેન્ડની મુલાકાત લીધી હતી. આયરલેન્ડ પહોંચ્યા બાદ મોદીએ તેમના ભરચક કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેઓએ ડબલીંગ સીટી સેન્ટર ખાતે સરકારના વડા એન્ડા કેની સાથે વાતચીતમાં વ્યસ્ત બન્યા હતા. ૨૭મી એ મોદી સેન જોનસ જશે જ્યા ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન વાલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલમાં રોકાશે.
શરીફ ૨૫મી સપ્ટેમ્બરની સાંજે પહોંચશે. તેઓ પણ આજ હોટલમાં રોકાણ કરશે.હાલમાં બન્ને નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત માટેની જાહેરાત કરવામાં આવી નથી.મોદી ૨૫મી સપ્ટેમ્બરના દિવસે વિકાસ શિખર સંમેલનને સંબોધન કરશે. નવાજ શરીફ ૨૭મી સપ્ટેમ્બરના દિવસે આ ઉચ્ચસ્તરીય સંમેલનને સંબોધન કરશે. મોદી ૨૬ અને ૨૭મી સપ્ટેમ્બરના દિવસે કેલીફોર્નિયામાં રહેશે. તેઓ ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ન્યુયોર્ક પરત ફરશે. તેઓ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા સાથે વાતચીત પણ કરશે. સાથે-સાથે સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર ઉપર આયોજિત ઉચ્ચ સ્તરીય શાંતિ સમેલનમાં ભાગ લેશે. જુદા જુદા દેશના વડા પણ આમાં ઉપસ્થિત રહેનાર છે. બાન કી મુન અને બરાક ઓબામા પણ સંબોધન કરનાર છે.
મોદી ૨૮મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે અથવા તો ૨૯મી સપ્ટેમ્બરની સવારે સ્વદેશ પરત રવાના થશે. મોદીની અમેરિકા યાત્રા શરૂ થાય તે પહેલા જ અમેરિકા સાથે મોટી સંરક્ષણ સમજુતીને કેન્દ્રિય કેબિનેટે ગઇકાલે લીલીઝંડી આપી હતી. આની સાથે જ ભારતે અમેરિકા સાથે વિશ્વાસનિર્માણની દિશામાં વધુ પગલા લેવાનો સંકેત આપી દીધો છે. મોદીની અમેરિકા યાત્રા દરમિયાન અન્ય રોકાણ આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. મોદી ટોપ કારોબારીઓને પણ મળનાર છે. મોદીની અમેરિકાની વડાપ્રધાન બન્યા બાદ આ આ બીજી યાત્રા છે. મોદી આ યાત્રા દરમિયાન કેલિફોર્નિયામાં સિલિકોન વેલી ખાતે ટોપ બિઝનેસ લીડરોને મળનાર છે. જેમાં ફેસબુક, એપલના લીડરોનો સમાવેશ થાય છે. ઓબામા સાથે તેમની બેઠક પણ ઉપયોગી રહેશે. સમગ્ર વિશ્વની નજર હવે નરેન્દ્ર મોદી પર ફરી એકવાર કેન્દ્રિત થઇ ગઇ છે.