દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયા જાહેરઃ ધોનીની કપ્તાની યથાવત

મહેન્દ્રસિંહ ધોની દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ૭૨ દિવસ લાંબી શ્રેણી માટે પ્રથમ ત્રણ ટી-૨૦ અને વનડે શ્રેણીમાં ભારતીય ટીમનુ નેતૃત્વ કરનાર છે. આફ્રિકા સામેની શ્રેણી માટે આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો હતો. ટી-૨- ટીમમાં હરભજનસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચોમાં શાનદાર દેખાવ કરનાર અમિત મિશ્રાનો ટી-૨૦ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રીનાથ અરવિન્દ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે.
આફ્રિકાની ભારત યાત્રા બીજી ઓક્ટોબરના દિવસે થનારી પ્રથમ ટી-૨૦ મેચ સાથે શરૂ થઇ જશે. સંદીપ પાટીલના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોએ પંજાબના ઓલરાઉન્ડર ગુરકીરત સિંહ પર વિશ્વાસ રાખ્યો છે. આ ખેલાડીને શ્રેણીની પ્રથમ ત્રણ મેચો માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે હરભજન સિંહ વનડે ટીમમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો નથી. ટીમમાં કેટલાક નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં કર્ણાટકના ઝડપી બોલર શ્રીનાથ અરવિન્દ અને પંજાબના ઓલરાઉન્ડર ગુરકીરતસિંહનો સમાવેશ થાય છે. રણજી ટ્રોફીની ૨૦૧૪-૧૫ની સિઝનમાં ગુરકિરતનો દેખાવ ખુબ શાનદાર રહ્યો હતો. તે તમામને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. ૫૬ રનની સરેરાશ સાથે તે ૬૭૭ રન કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે અરવિન્દે આઇપીએલ દરમિયાન પાંચ મેચોમાં આઠ વિકેટો ઝડપી હતી.
ઓપનિંગ બેટ્‌સમેન શિખર ધવન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ બાદ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો પરંતુ તે હવે રિકવર થઇ રહ્યો છે. જેથી તે સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ટી-૨૦ માટે ચાર સ્પીનરો સાથે મેદાનમાં ઉતરવાનો પસંદગીકારોએ નિર્ણય કર્યો છે. ઝિમ્બાબ્વે વનડે શ્રેણીથી હકાલપટ્ટી કરવામાં આવેલા રવિન્દ્ર જાડેજા ટીમમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો નથી. તેને ટી-૨૦ અને વનડે બન્ને ટીમોમાં સ્થાન અપાયુ નથી. પસંદગીકારોના ચેરમેન સંદીપ પાટીલે કહ્યુ હતુ કે ભારતીય ટીમ ધોનીના નેતૃત્વમાં શાનદાર દેખાવ કરી રહી છે. જેથી ભારતીય ટીમમાં કેપ્ટનશીપમાં ફેરફારની કોઇ જરૂરીયાત દેખાઇ રહી નથી.
ઝિમ્બાબ્વેના પ્રવાસ વેળા આરામ આપવામાં આવેલા સ્ટાર ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા, અશ્વીન અને સુરેશ રૈનાની બન્ને ટીમોમાં વાપસી થઇ ગઇ ગઇ છે. ગુરકીરત અને અરવિન્દ બન્ને હાલમાં ભારતીય એ ટીમની સાથે છે. ગુરકિરતે પ્રથમ બિનસત્તાવાર વનડે મેચમાં સદી ફટકારી હતી અને પાંચ વિકટ ઝડપી હતી. જ્યારે અરવિન્દે આ જ મેચમાં ૨૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતની ટી-૨૦ અને વનડે ટીમ નીચે મુજબ છે.
ટી-૨૦ ટીમ : ધોની(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, અજન્કયા રહાણે, સ્ટુઅર્ટ બિન્ની, આર. અશ્વીન, અક્ષર પટેલ, હરભજનસિંહ, ભવનેશ્વર કુમાર, મોહિત શર્મા, અમિત મિશ્રા, એસ. અરવિન્દ.
વનડે ટીમ : ધોની (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અમ્બાટી રાયડુ, સુરેશ રૈના, રહાણે, સ્ટુઅર્ટ બિન્ની, આર.અશ્વીન, અક્ષર પટેલ, ગુરકિરત, અમિત મિશ્રા, ભુવનેશ્વર કુમાર, મોહિત શર્મા, ઉમેશ યાદવ.