યુએસ ઓપનઃ પેસ અને હિંગિસની જોડીએ મિક્સ્ડ ડબલ્સનો તાજ જીત્યો

ન્યુયોર્કના ફ્લુશિંગ મેડોઝ ખાતે રમાઇ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના સ્ટાર ખેલાડી લિયાન્ડર પેસે વધુ એક ઇતિહાસ સર્જયો છે. પેસે સ્વીત્ઝર્લેન્ડની માર્ટીના હિંગીસની સાથે મળીને હવે મિકસ્ડ ડબલ્સનો તાજ જીતી લીધો છે. યુએસ ઓપનમાં રમાયેલી મિકસ્ડ ફાઇનલમાં પેસ અને હિંગીસની જોડીએ સૈમ ક્વેરે અને બૈથેની માટેકની જોડી પર ૬-૩,૩-૬ અને ૧૦-૭ના અંતરથી હાર આપી હતી. બન્ને અમેરિકી જોડી પર પેસે શાનદાર જીતી મેળવી હતી. પેસે અને હિંગીસની જોડી વર્ષ ૧૯૬૯ બાદની પ્રથમ એવી જોડી બની ગઇ છે જે એક વર્ષમાં ત્રણ મુખ્ય ગ્રાન્ડ સ્લેમ જીતી જવામાં સફળ રહી છે. આ અગાઉ પેસ અને હિંગીસની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડનમાં મિકસ્ડ ડબલ્સનો તાજ પોતાના નામે કર્યો હતો. ૪૨ વર્ષના પેસે સૌથી વધારે મિકસ્ડ ડબલ્સ જીતનાર ખેલાડી બની જવામાં સફળતા મેળવી છે. આ કેટેગરીમાં આ તેની નવમી ગ્રાન્ડ સ્લેમ હતી. આ ઉપરાંત તે આઠ મોટી પુરૂષ ડબલ્સ ટ્રોફી પણ જીતી ચુક્યો છે. હિંગીસના નામે હવે ૧૯ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી થઇ ગઇ છે. જેમાં પાંચ સિગલ્સ, ૧૦ મહિલા ડબલ્સ અને ચાર મિકસ્ડ ડબલ્સનો સમાવેશ થાય છે. હિંગીસની પાસે વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક રહેલી છે. તે રવિવારે ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્જાની સાથે મળીને મહિલા ડબલ્સનો તાજ જીતવા મેદાનમાં ઉતરશે. મિકસ્ડ ડબલ્સની મેચોને લઇને પણ ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. બીજી બાજુ પુરૂષોની સિગલ્સ ફાઇનલમાં બે નજીકના હરિફો ટકરાશે. જેમાં નોવાક જોકોવિક અને રોજર ફેડરર સામ સામે આવનાર છે. બન્ને વિમ્બલ્ડનમાં પણ ફાઇનલમાં સામ સામે આવ્યા હતા. જ્યા નોવાક જોકોવિકે જીત મેળવી હતી. હવે ફેડરરને સૌથી મોટી વયે ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક છે.