કેન્દ્રની સ્માર્ટસિટીની યાદીમાં ‘રંગીલા’ રાજકોટનો સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ દેશના ૯૮ સ્માર્ટ સીટીની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના ૬ શહેરોનો સમાવેશ થયો છે. જે શહેરો પૈકી રંગીલા રાજકોટનો પણ સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટનો વિકાસ દિનપ્રતિદિન સીમાડા વટાવી રહ્યો છે જે વિકાસને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે પોતાની મહત્વપૂર્ણ યોજના સ્માર્ટ સીટીમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી યોજના અંતર્ગત રાજકોટનો સમાવેશ થતાં રાજકોટના વિકાસને એક નવી ક્ષીતિજ પ્રાપ્ત થશે તેમજ વિકાસની નવી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે. કેન્દ્ર સરકારની આ મહત્વપૂર્ણ સ્માર્ટ સીટી યોજના અંતર્ગત દરેક સ્માર્ટ સીટીને આગામી ચાર વર્ષ સુધી દર વર્ષે રુા. ૧૦૦ કરોડ આપવામાં આવશે. પ્રથમ વર્ષે રુા. ૨૦૦ કરોડ આપવામાં આવશે. સ્માર્ટ સીટીના નિર્માણમાં રાજ્ય અને અર્બન ઓથોરીટીની ભાગીદારી ૫૦-૫૦ ટકાની રહેશે. સરકાર તેમાં પ્રાઇવેટ સેકટરને પણ લાવી શકશે આમ સ્માર્ટ સીટીની યાદીમાં રાજકોટના સમાવેશ થવાથી રાજકોટને નવી દિશા પ્રાપ્ત થવાના ઉજળા સંજોગો સર્જાયા છે.