અમદાવાદ-સુરત સહિતના અશાંત ક્ષેત્રો આર્મીને હવાલે સોંપી દેવાયા

અમદાવાદ અને સુરતમાં પોલીસ તથા અર્થલશ્કરી દળો ગોઠવાયા છતાં પણ કરફ્યુગ્રસ્ત વિસ્તારોમાં આજે સવારે પણ લોકોના ટળે ટોળા ઉતરી પડતા ફરી પરિસ્થિતિ ગંભીરરીતે ડહોળતા છેવટે રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય અશાંત વિસ્તારોમાં તાબડતોડ આર્મીને હવાલે કરવામાં આવ્યા હતા જ્યારે સુરતમાં પણ લશ્કર ડિપ્લોય કરાયું હોવાું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે રાજકોટમાં પણ લશ્કરની એક ટુકડી રવાના કરવામાં આવી હતી. અમદાવાદમાં સાંજે લશ્કરે ફ્લેગમાર્ચ યોજી સ્થિતિને કાબૂમાં લેવાના લોખંડી પ્રયાસો શરૂ કર્યા હતા. રાજ્યમાં આર્મીની પાંચ ટુકડીઓ ફાળવવામાં આવી હતી.
અમદાવાદમાં ગઇકાલે ૨૫મીએ યોજાયેલી પાટીદારોની ક્રાંતિ રેલી શાંતિપૂર્ણરીતે સમ્પન્ન થયા બાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસે બેફામ લાઠીચાર્જ કરી આચરેલી બર્બરતાના રાજ્યભરમાં ખુબ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેમાં રોષે ભરાયેલા પાટીદાર યુવાનોએ પોલીસને સીધા નિશાન બનાવી પોલીસ ચોકીઓ, પોલીસ મથકો, વહનો વગેરેને આગને હવાલે કર્યા હતા જ્યારે બીજી તરફ પોલીસે પણ સોસાયટીઓમાં ઘરમાં ઘુસી જઇને નિર્દોષ લોકોને બેરહમીથી ઝૂડી કાઢ્યા હતા અને સેંકડો વાહનોને ભારે નુકસાન કર્યું હતું. મોડી રાત સુધી આ ધમાસાણ ચાલુ રહ્યા હતા.
આજે સવારથી ફરી હિંસક ઘટનાઓ શરૂ થઇ હતી અને બેકાબૂ બનેલી પોલીસે યુવાનો પર લાઠીઓ વીંઝી મહિલાઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યા હોવાની ગંભીર ફરિયાદો ગાંધીનગર સુધી જતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. આ સંદર્ભમાં આજે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ પોલીસ અને પ્રજા વચ્ચે વધી રહેલા વૈમનસ્યનો મુદ્દો ઉપસ્થિત હતો અને જો આ પરિસ્થિતિ વધુ સમય સુધી ચાલી રહેશે તો વધુ વિગ્રહ થવાની નીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં આ તમામ પરિસ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કર્યા બાદ અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અન્ય અશાંત શહેરો લશ્કરને ોસંપવાનો નિર્ણય લેવાયો હતો અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે સતત સંપર્કમાં રહેતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી રાજનાથસિંહ સાથે વાત થયા બાદ ગુજરાત માટે આર્મીની પાંચ કંપનીઓ અમદાવાદમાં ઉતારવામાં આવી હતી.
સુરતમાં પણ આર્મી રવાના કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જેમાં વડોદરાથી આર્મીની બે ટુકડી સુરત મોકલાઈ છે જ્યારે જામનગરથી આર્મીની એક ટુકડી રાજકોટ પણ મોકલવામાં આવી છે. રાજ્યના અમદાવાદ સહિત અશાંત વિસ્તારોમાં આર્મીએ ફ્લેગમાર્ચ શરૂ કરી દીધું હતું.