કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાને હાર આપી ભારતે શ્રેણી સરભર કરી

કોલંબો ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના પાંચમાં અને અંતિમ દિવસે ભારતે શ્રીલંકા ઉપર ૨૭૮ રને જીત મેળવીને શ્રેણી એક-એકથી બરોબર કરી લેવામાં સફળતા મેળવી હતી. જીતવા માટેના ૪૧૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શ્રીલંકાની ટીમ આજે તેના બીજા દાવમાં માત્ર ૧૩૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ તેની કારમી હાર થઈ હતી. ભારત તરફથી અશ્વીને ફરી એકવાર તરખાટ મચાવ્યો હતો. અશ્વિને ૪૨ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. જ્યારે મિશ્રાએ ૨૯ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઉમેશ યાદવ અને ઈશાંત શર્માએ ૧-૧ વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા તરફથી તેના બીજા દાવમાં કરુણારત્નેએ સૌથી વધુ ૪૬ રન બનાવ્યા હતા. બાકીના બેટ્‌સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. લોઅર ઓર્ડરના બેટ્‌સમેનો એકપછી એક ઝડપથી આઉટ થયા હતા. આની સાથે જ ભારતે શાનદાર જીત મેળવી હતી અને ૨૨ વર્ષના લાંબાગાળા બાદ ટેસ્ટ શ્રેણી જીતવાની આશા જીવંત રાખી હતી. આ ટેસ્ટ મેચની સાથે જ શ્રીલંકાના આધારભૂત બેટ્‌સમેન સંગાકારાની કેરીયરનો અંત આવ્યો હતો. સંગાકારા આ ટેસ્ટ મેચની સાથે જ નિવૃત્ત થયો છે. છેલ્લી ટેસ્ટમાં સંગાકારાને જીત સાથે વિદાય આપવામાં શ્રીલંકાને સફળતા મળી નહતી. મેન ઓફ ધ મેચ તરીકે રાહુલની પસંદગી કરવામાં આવી હતી.