રાજકોટના ગણેશનગરમાં ૧૪ વર્ષના તરુણે ૧૩ વર્ષીય તરુણને રહેંસી નાખ્યો

શાંત શહેર રાજકોટને કોઇની નજર લાગી ગઇ હોય તેમ હત્યાના બનાવો વધી રહ્યા છે. ગત મોડી રાત્રે રૈયારોડના નહેરુનગરમાં લઘુમતિ આગેવાન અને તેના પુત્રની હત્યા થયા બાદ ત્રીજી હત્યાનો બનાવ બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં નોંધાયો છે. મોરબી રોડ પરના ગણેશનગરમાં રહેતાં ૧૪ વર્ષના વણકર તરુણને આ વ્સ્તિારના જ ૧૪ વર્ષના બાવાજી તરુણે છરીનો ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધો છે. ગાળો બોલવાની ના પાડતાં વણકર તરુણે જીવ ગૂમાવ્યો હતો.
ગણેશનગર-૧૧માં રહેતાં અને ટ્રકોમાંથી માલ ઉતારવાની મજૂરી કરી ગુજરાન ચલાવતાં રાજૂભાઇ ડાયાભાઇ જાદવ (ઉ.૩૪) નામના વણકર યુવાનના એકના એક પુત્ર સાહિલ રાજેશભાઇ જાદવ (ઉ.૧૪)ને સાંજે પોતાના ઘર નજીક કચ્છી ક્વાટર્ર પાસે રમતો હતો ત્યારે આ વિસ્તારમાં જ શેરી નં. ૭/૧૧ના ખુણે રહેતાં ૧૪ વર્ષના તરુણે વાંસામાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બી-ડિવીઝન પી.એસ.આઇ. ડી.ડી. લાડુમોર અને સ્ટાફે રાજુભાઇ જાદવની ફરિયાદ પરથી હુમલાખોર તરુણ સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સારવારમાં રહેલા સાહિલે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્‌યો હતો. રાજુભાઇના કહેવા મુજબ તેનો દિકરો સાહિલ કચ્છી ક્વાટર્ર પાસે હતો ત્યારે તેને બાવાજી તરુણે ગાળો દેતાં સાહિલે ગાળો દેવાની ના પાડતાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
હત્યાનો ભોગ બનેલો સાહિલ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. રાજૂભાઇએ મુસ્લિમ મહિલા નઝમા સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા છે. તેણીને આગલા ઘરનો એક દિકરો અને એક દિકરી હતાં. રાજૂ સાથે લગ્ન બાદ બીજા બે પુત્રોને જન્મ આપ્યો હતો. હત્યાનો ભોગ બનનાર સાહિલ રાજૂનો આગલા ઘરનો પુત્ર હતો. આ બનાવથી પરિવારમાં અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.