રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શ્રાવણી સરવડા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદના ત્રીજા રાઉન્ડની વિધિવતરીતે શરૂઆત થઈ ચુકી છે. શ્રાવણ માસની શરૂઆત થવાની સાથે જ ત્રીજા દોરના વરસાદની પણ શરૂઆત થઈ ચુકી છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આજે વરસાદ થયો હતો. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ, બપોર બાદ રાજકોટમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો અને આશરે એક કલાક સુધી વરસાદ જારી રહ્યો હતો. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાના અહેવાલ મળ્યા છે. જેધપુર શહેર અને તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.
મળેલી માહિતી મુજબ, જુનાગઢ, વિસાવદર, માળિયા, વંથલી, માંગરોળમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. મોરબીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. બોટાદમાં બપોરના ગાળા બાદ હળવો વરસાદ થયો હતો. ટૂંકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ચુકી છે. ધાર્મિક સ્થળ પાલીતાણામાં પણ વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવનને અસર થઈ હતી. બોટાદમાં આશરે એક કલાક સુધી વરસાદ પડ્યો હતો. સમગ્ર ભાવનગરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આ પ્રકારની સ્થિતિ વચ્ચે સારો વરસાદ થયો હતો. સુરેન્દ્રનગર, ધોરાજી, વાંકાનેર અને અન્ય આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.પ્રદેશમાં નીચલી સપાટી ઉપર સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમી પવનો ફુંકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાતના જુદા-જુદા ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે મોનસુની સિઝન દરમિયાન હજુ સુધી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે સરકારની સાથે-સાથે ખેડૂત સમુદાય ચિંતિત છે. કમોસમી વરસાદ અને ઓછા વરસાદના કારણે અનાજના ઉત્પાદન ઉપર પણ માઠીઅસર થઈ છે.