રાજકોટના સ્મશાનમાં શ્વાનને અપાયો અગ્નિદાહ

જેની શ્વાન નહી, અમારી દિકરી હતી…’ ભીની આંખે યુવા દંપતિએ દિકરીને અલવિદા કહી…જાગૃતિબેન અને રાહુલભાઇ ત્રિવેદી શોકગ્રસ્ત છે. ગઇરાત્રે પ્રાણ પ્યારી દિકરી જેનીને રુટીન પ્રમાણે રાહુલભાઇ રેસકોર્ષ ફરવા લઇ ગયા. જેની ગાડીમાંથી ઉતરી ત્યાં જ એક ફુલ સ્પીડ સ્કુટી ચાલકે અડફેટે લીધી…રાહુલભાઇએ ખૂબ સારવાર કરાવી પણ દિકરીને બચાવી ન શકયા. જેનીએ વિદાય લીધી. દંપત્તિ પડી ભાંગ્યુ, રાહુલભાઇએ જેનીને જાજરમાન વિદાય આપવા નિર્ણય કર્યો. રાત્રે રાજકોટના સ્મશાનમાં ફર્યા, કોઇએ શ્વાનને અગ્નિ સંસ્કારની મંજુરી ન આપી.
સવારે હિંમત કરીને રાહુલભાઇ-જાગૃતિબેને જેનીની વિધિવત સ્મશાનયાત્રા કાઢી. રામનાથપરા સ્મશાને પહોંચ્યા. નિર્ધાર કરેલો કે, અગ્નિદાહ ન આપવા દે તો ત્યાં જ બેસી રહેવુ. શ્વાનનો દિકરીની જેમ ઉછેર કર્યાની લાગણીભરી સ્ટોરીથી લાગણીશીલ બનેલા ગુણવંતાઇએ અગ્નિદાહને મંજુરી આપી. ઇલેકટ્રીક સ્મશાન ગૃહમાં જેનીને અગ્નિદાહ અપાયો, પહોંચમાં નામ લખ્યુ જેની રાહુલભાઇ ત્રિવેદી…
રાહુલભાઇ કલેકટર ઓફિસમાં જીઆઇએલના હેડ છે. તેમના જીવનસાથી જાગૃતિબેન ગેસ્ટ લેકચરર છે. યુવા દંપતિ નિઃસંતાન છે. ૧૩-૮-ર૦૧૩ના દિને તેમના જીવનમાં જેનીનું આગમન થયુ અને આ દંપતિએ જેનીનો ઉછેર દિકરીની જેમ કર્યો. જેની પણ પરિવારની લાડલી બની ગઇ, શોકગ્રસ્ત દંપતિએ જેનીના પ્રસંગો ભીની આંખે વર્ણવ્યા હતા.
રાહુલભાઇ કહે છે કોઇપણ પ્રસંગે અમે બહાર જઇએ તો જેની સાથે જ હોય, તેમના સામાન પણ સાથે જ હોય. મોટરકારની પાછળની સીટ જેની માટે અનામત હતી. તેમના ભોજન, સૌંદર્ય પ્રસાધનો, વિવિધસ્ત્રોનો ખજાનો દંપતિના ઘરમાં છે, જેનીને ખરા અર્થમાં દિકરી માનીને ખુબ જ લાડ લડાવ્યા હતા. રાહુલભાઇ કહે છે કે, જેનીને અમે ચોટીલા, સોમનાથ, નાથદ્વારા દર્શન પણ કરાવેલા. હોટલોમાં અમારી સાથે જ રહેતી હતી. જેનીની સમજ પણ ખુબ હતી. કયારેક દંપતિ વચ્ચે ચણભણ થઇ જતી તો જેની શાંત કરતી.
જેની માટે નાસ્તા-ભોજન સ્પેશિયલ બનતા. જેનીના રમકડા-દડાના ઢગલા આ દંપતિના ઘેર છે. જેનીને દરરોજ રાત્રે રેસકોર્ષ ફરવા લઇ જવાતી. રાહુલભાઇ ભીની આંખે કહે છે કે, ગઇરાત્રે રેસકોર્ષમાં પહોંચ્યા ત્યાં જ ફુલ સ્પીડ સ્કુટીની અડફેટે આવી ગઇ. ડોકટરો પાસે સારવાર કરાવી પણ જેનીએ અમારા જીવનમાંથી વિદાય લઇ લીધી… રામનાથપરા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ અપાયો. ૧૮ નંબરના બોકસમાં જેનીના અસ્થિ હશે. રાહુલભાઇ કહે છે, તા.૩૧ના અસ્થિ અમારી પાસે આવ્યા બાદ જેનીની શાષાોકત વિધિ કરવા હરિદ્વાર જઇશું…