પાટીદાર અનામતઃ સરકાર સાથે પ્રથમ દોરની મંત્રણા ફ્લોપ

પાટીદાર સમુદાયના શક્તિપ્રદર્શનના દોર વચ્ચે આજે અનામતના મુદ્દે પાટીદાર સમુદાયના પ્રતિનિધિ અને ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ખાસ ટીમ વચ્ચેની મંત્રણા ફ્લોપ રહી હતી. મંત્રણા ફ્લોપ રહેવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. સરદાર પટેલ ગ્રુપ અને પાટીદારોમાં આંતરીક મતભેદો સપાટી પર દેખાઈ આવ્યા હતા. મંત્રણા બાદ સરકાર સાથે વાતચીત કરનાર પ્રતિનિધિઓમાં જુદા-જુદા અભિપ્રાય જોવા મળ્યા હતા. અનામતના મામલે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
સમિતિના અધ્યક્ષ નિતિનભાઈ પટેલે કહ્યું હતું કે, એક-એક બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ આવી જાય તે જરૂરી નથી.સાથે-સાથે આ પ્રકારની અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી. તમામ પરિબળોને ધ્યાનમાં રાખી સમાજના તમામ વર્ગના હિતમાં નિર્ણય લેવામાં આવનાર છે. કોઈપણ નિર્ણય લેતા પહેલાં સરકાર બંધારણીય, કાયદાકીય અને અન્ય વહિવટી પાસામાં ધ્યાન આપશે. હાલમાં પાટીદાર સમુદાયનું આંદોલન જોરદારરીતે આગળ વધી રહ્યું છે. વિવિધ જગ્યાઓએ દેખાવો થઇ રહ્યા છે. અનામતની માંગણીને લઇને પાટનગર ગાંધીનગરમાં દેખાવો કરવામાં આવી ચુક્યા છે. અમદાવાદમાં ૨૫મી ઓગસ્ટના દિવસે સૂચિત મહારેલીનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી ચુક્યુ છે. નીતિન પટેલના નેતૃત્વમાં સાત સભ્યોની પેનલે આજે વાતચીત કરી હતી. જોકે, બ્રહ્મ સમાજના લોકો આમાં જોડાયા નહીં હોવાની વિગત સપાટી પર આવી હતી. નિતિન પટેલના નેતૃત્વમાં સમિતિ દ્વારા પ્રતિનિધિઓની રજુઆતો વિસ્તારપૂર્વક સાંભળી હતી.
ઓબીસી દરજ્જા અને અનામતની માંગણીને લઇને પાટીદાર સમુદાયના લોકો લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે. એસપીજીના લાલજી પટેલે ગઈકાલે કહ્યું હતું કે, સરકાર તરફથી લેખિતમાં આમંત્રણ મળ્યુ હતું. સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. ૨૫મી ઓગસ્ટના દિવસે અમદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે પ્રધાનોની કમિટિની રચનાની દરખાસ્તને ફગાવી દીધી છે. ૭ સભ્યોની સમિતિ અસરકારક રહેશે નહીં તેવો મત તેમના દ્વારા વ્યક્ત કરાયો છે. તેમનું કહેવું છે કે, જે કમિટિના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ન હોય તે કમિટિને ઉચ્ચસ્તરીય કમિટિ ગણી શકાય નહીં. આ ઉપરાંત જે વિભાગો પાટીદારની માંગ સાથે સંબંધિત છે તે વિભાગોના પ્રધાનો કમિટિના સભ્યો તરીકે નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમુદાય દ્વારા શક્તિપ્રદર્શનનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં પાટીદાર સમુદાયની સૌથી વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. અનામતની માંગણી સાથે ૨૭ કિલોમીટર લાંબી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં હજારો પાટીદાર સમુદાયના લોકો જોડાયા હતા. અમદાવાદના પૂર્વના મેઘાણીનગરથી આની શરૂઆત થઇ હતી. ત્યારબાદ જુદા જુદા વિસ્તારોમાં આ રેલી પહોંચી હતી જેમાં શાહીબાગ, રાણીપ, ન્યુ રાણીપ, ચેઇનપુર, ચાંદલોડિયા, નારણપુરાનો સમાવેશ થાય છે. ૨૦૦૦થી ૫૦૦૦ જેટલા લોકો આમા જોડાયા હતા.દરમિયાન સુરતમાં પણ આજે વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી જેમાં લાખો લોકો જોડાયા હતા. ઓબીસી સ્ટેટસની માંગ કરવામાં આવી છે.