સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને તેની આસપાસના વિસ્તારો ઉપર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે. જેના પરિણામ સ્વરૂપે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અલબત્ત અતિ ભારે વરસાદની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. પરંતુ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી ૫ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૩૧.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. વડોદરા અને સુરતમાં મહત્તમ તાપમાન ક્રમશઃ ૩૪.૨ અને ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું.સૌરાષ્ટ્ર-કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ છે અને તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત અને દીવ-દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છની આ અપરએર સાયકલોનિક સરકયુલેશન દરિયાની સપાટીથી ૧.૫ થી ૫.૮ કિલોમીટર વિસ્તારમાં છવાયુ છે અને તેની અસરના ભાગરૂપે ગુજરાતના મોટાભાગના વિસ્તારો સામાન્યથી મધ્ય વરસાદની સંભાવના ઉભી થઈ છે. દરમિયાનમાં હવામાન વિભાગના ગુજરાતના ડાયરેક્ટર ડો. સરકારના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર એરિયાનું નિમર્ણિ થયું છે. જેના કારણે આવતીકાલ તા. ૧૩થી મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.
લો-પ્રેશર આગળ વધ્યા બાદ દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમની ભારે વરસાદની સંભાવના છે. તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને અપાયેલી સુચનાના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા અને કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાની સંભાવના છે. આવી જ રીતે તા. ૧૪ અને ૧૫ના રોજ ઉત્તર-પૂર્વ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં અનેક સ્થળે મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાથી સાવચેતીના તમામ પગલાંઓ લેવાના રહેશે. અમદાવાદમાં પણ ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધ્યું છે,પારો ૩૨થી ઉપર પહોંચ્યો છે.